લંડન: ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ બ્રિટન દ્વારા ભારતને પોતાના પ્રત્યાર્પણના આદેશ પર સાઈન કરાયા બાદ ગણતરીના કલાકોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે અપીલની પ્રક્રિયા શરૂ કરશે. બ્રિટનના ગૃહ મંત્રી સાજિદ જાવીદે માલ્યાને મોટો આંચકો આપતા તેને ભારતના પ્રત્યાર્પણ કરવાના આદેશ આપી દીધા છે. ત્યારબાદ માલ્યાએ આ જવાબ આપ્યો. માલ્યા પાસે બ્રિટનની હાઈકોર્ટમાં અપીલની મંજૂરી મેળવવા માટે ચાર ફેબ્રુઆરી સુધીનો 14 દિવસનો સમય છે. માલ્યાએ એક ટ્વિટમાં કહ્યું કે તે પોતાના પ્રત્યાર્પણના આદેશ વિરુદ્ધ અપીલની પ્રક્રિયા શરૂ કરશે.
ભાગેડુ માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું કે 10 ડિસેમ્બર 2018ના રોજ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા બાદ મેં અપીલ કરવાના મારા ઈરાદાનો ઉલ્લેખ કર્યો હતો. ગૃહમંત્રીના નિર્ણય અગાઉ હું અપીલની પ્રક્રિયા શરૂ કરી શકત નહીં. હવે હું અપીલની પ્રક્રિયા શરૂ કરી શકુ છું.
ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણને બ્રિટને આપી મંજૂરી, મોદી સરકારની મોટી સફળતા
બ્રિટિશ ગૃહ કાર્યાલયે આજે જણાવ્યું કે ફ્રોડનું કાવતરું રચવા અને મની લોન્ડરિંગના આરોપમાં ગૃહ મંત્રીએ માલ્યાના પ્રત્યાર્પણના આદેશ આપ્યાં છે. જેને માલ્યાને પાછો દેશભેગો લાવવાના ભારતના પ્રયત્નોની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યો છે. લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટે 10 ડિસેમ્બર 2018ના રોજ કહ્યું હતું કે 63 વર્ષના માલ્યાએ ભારતીય કોર્ટ સમક્ષ જવાબ આપવો પડશે. પત્યાર્પણ સંધિની પ્રક્રિયાઓ હેઠળ ચીફ મેજિસ્ટ્રેટનો ચુકાદો ગૃહમંત્રી જાવીદને મોકલવામાં આવ્યો હતો. કારણ કે માત્ર ગૃહ મંત્રી જ માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ આપી શકે છે.
બ્રિટનમાં પાકિસ્તાની મૂળના વરિષ્ઠ મંત્રી જાવીદના કાર્યાલયે સોમવારે આ વાતની પુષ્ટિ કરી કે તમામ મામલાઓ પર વિચાર કર્યા બાદ મંત્રીએ રવિવારે માલ્યાના પ્રત્યાર્પણ આદેશ પર હસ્તાક્ષર કર્યાં હતાં. ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે તમામ પ્રાસંગિક મામલાઓ પર વિચાર કર્યા બદા 3 ફેબ્રુઆરીના રોજ મંત્રીએ વિજય માલ્યાને ભારતને સોંપવાના આદેશ પર સહી કરી. પ્રવક્તાએ કહ્યું કે વિજય માલ્યા પર ભારતમાં ફ્રોડનું કાવતરું રચવાના, ખોટી માહિતી આપવાના અને મની લોન્ડરિંગના આરોપ છે.
એપ્રિલ 2017માં સ્કોટલેન્ડ યાર્ડ તરફથી ઈશ્યુ કરાયેલા પ્રત્યાર્પણ વોરન્ટ પર માલ્યા જામીન પર છે. આ વોરન્ટ એ વખતે ઈશ્યુ કરાયું હતું જ્યારે ભારતીય અધિકારીઓએ કિંગફિશર એરલાઈન્સના પૂર્વ પ્રમુખ માલ્યાને 9000 કરોડ રૂપિયાની રકમના ગોટાળા અને મની લોન્ડરિંગના મામલે આરોપી બનાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે